મોં ખુલ્લું રાખી, જીભને હાથ વડે પકડીને ગમે તે એક શબ્દ બોલવાનો પ્રયત્ન કરી જોઈએ. કેમ થયું ? કશું બોલી શકાય છે? નહીં ને!
તો બોલવા માટે જીભની ખાસ જરૂર પડે છે, એમ જ ને ? મોટા ભાગનું તો જીભની મદદ વડે જ બોલી શકાય છે. હા, માત્ર એકલા સ્વરોને જીભની મદદ વગર બોલી શકાય છે. ચાલો સમજીએ, ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા સ્વરપેટી-નાદતંત્રીઓમાં આવે ત્યારે તે રોકાય (અવરોધાય) છે અને પછી મોં (મુખપથ) કે નાક (નાસિકાપથ) દ્વારા બહાર આવે છે. ત્યારે પ્રગટતો ધ્વનિ સ્વર કે વ્યંજન રૂપે સંભળાય છે.
ભાષાનો નાનામાં નાનો ઘટક (એકમ) તે અવાજ (ધ્વનિ) છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે 'સ્વર' અને 'વ્યંજન' તરીકે ઓળખીએ છીએ.
સ્વર : મોંમાંથી પસાર થતો અવાજ (ધ્વનિ) મુખના કોઈ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવાય છે.
દા.ત., અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, એ, ઓ, ઔ- આ અગિયાર સ્વર કહેવાય છે.
વ્યંજન : મોં કે નાકમાંથી પસાર થતો અવાજ (ધ્વનિ) મુખના કોઈ ને કોઈ ભાગમાં અવરોધ પામીને બહાર આવે ત્યારે તેને વ્યંજન કહેવાય છે.
દા.તા., ક, ખ, ગ, ધ, ઙ, ચ, છ, જ, ઝ, ઞ, ગ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, ૫, ફ, બ, ભ, મ, ય, ૨, લ, વ, શ, ષ, સ, હ, ળ.
અઘોષ ધ્વનિ : ગળાના ભાગમાં આવેલા નાદતંત્રી, અલ્પ (ઓછી) માત્રામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન તે અઘોષ ધ્વનિ. દા.ત., ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, ષ, હ, સ, ળ અને વિસર્ગ.
ઘોષ ધ્વનિ : ગળાના ભાગમાં આવેલ નાદતંત્રી, કંપે ને જે રણકા જેવો ધ્વનિ ઉત્પન્ન તે ઘોષ ધ્વનિ.
દા.ત., ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ, ય, ૨, લ, વ, અને ળ
અનુનાસિક ધ્વનિ : જે ધ્વનિનું ઉચ્ચારણ મોં અને નાસિકા દ્વારા થાય તેને અનુનાસિક ધ્વનિ કહે છે.
દા.ત. ઙ, ઞ, ણ, ન અને મ
અક્ષર : મોટે ભાગે આપણે 'વર્ણ'ને જ 'અક્ષર' કહીએ છીએ.
જ્યારે આપણાં ફેફસાંમાંથી ઉચ્છ્વાસિત હવા મુખમાં આવે છે, ત્યારે જીભ એ મુખનાં જુદાં જુદાં સ્થાનોએ સ્પર્શ કરીને હવાને રોકે છે. આ રોકાયેલી હવાને છોડવાથી જે જે ઉચ્ચારણો થાય છે તે બધા વ્યંજનો કહેવાય છે. આ કોષ્ટક દ્વારા આપણે જુદાં જુદાં પાંચ સ્થાનો પરથી ઉત્પન્ન થતા વ્યંજનોને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેના પ્રકારોને જાણીએ:
કંઠ્ય : જીભનો પાછળનો ભાગ કંઠ પાસે જઈને હવાને રોકે છે.
તાલવ્ય : જીભનો મધ્ય ભાગ તાળવા પાસે જઈને હવાને રોકે છે.
મૂર્ધન્ય : જીભનો આગળનો ભાગ મૂર્ધા (તાળવા અને દાંતની વચ્ચે) ને સ્પર્શ કરી હવાને રોકે છે.
દંત્ય : જીભનો આગળનો ભાગ ઉપરના દાંતને સ્પર્શ કરી હવાને રોકે છે.
ઓષ્ઠય : બંને હોઠ એકબીજાનો સ્પર્શ કરી હવાને રોકે છે.